શ્રાદ્ધ

વડિલોને ફાળવવામાં આવેલા દિવસો એટલે શ્રાદ્ધ . આ દિવસો એમના તરફની આપણી લાગણી દર્શાવે છે . કદાચ મોટી ઉંમરે આ મોટી યાત્રા પૂરી કરીને ગયેલા વ્યક્તિનું મૃત્યુ ઉજવવુ એટલે શ્રાદ્ધ પરંતુ એમના જીવનનું શું ? એમની હયાતી પણ ઉજવવી જોઈએ ને . જે ખીર-પૂરી એમની પાછળ કાગડા જમે છે એ એમને પણ આપી છે ખરી..? આવી જ થોડી લાગણી થોડી સમજની કવિતા છે આ…..

આવ આવ કાગડા , આજે મારા વડિલ નું શ્રાદ્ધ છે…
કે શું ખીર માં એમના સંસ્કાર જેટલો મીઠો સ્વાદ છે..?

આંખ તો સુકાઈ ગઈ , પણ લાગણી સુકાઈ નથી ને..?
દુઃખ એમને દેવાયું , એની માફી માંગવાની ભુલાઈ નથી ને..?

પરત ન કરી શકીએ , પણ એમના પ્રેમની કદર તો છે ને..??
એ હતા તો અમે છીએ , એટલી અમને ખબર તો છે ને..?

દિવસો કપરા હતા , સેવામાં ચૂક થઈ એની માફી મળશે કે કેમ..?
એ અમારી ભુલો ભુલી જાશે ને? , જેમ નાનપણમાં ભુલતા એમ..

એકલા હતા એ , ને કદાચ અમે સમય કાઢી ન શક્યા હોય..?
દવાઓ પુરી કરાવી હતી , કદાચ હુંફ પુરી આપી ન શક્યા હોય..?

ક્યાંક વાંક હતો અમારો , ને ક્યાંક જવાબદારી ની ભીંસ હતી..
કોઈ બચાવ નથી અમારો., સાવ સાચી એમની બધી રીસ હતી..

જા કાગડા જા , જઈને ઉપરવાળા ને અમારું માફીનામુ દે..
બધું દેવું ચુકવી દેશું , બસ ફરી અમને સરખું સરનામું દે…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top