ઓહો….અદભુત વિષય…. બહેન ઉપર લખો એટલું ઓછું પડે . જ્યારે લખવું હોય ત્યારે લખી શકાય . ક્યારેય જુનું ન લાગે ક્યારેય શબ્દો કોરા ન લાગે . જ્યારે લખો ત્યારે સ્નેહ નીતરતા શબ્દો નીકળે . ખૂબ જ લખ્યું છે બહેન ઉપર તોય એવું લાગ્યા કરે છે કે બહેન પ્રેમથી એક કોળિયો આપે એટલું પણ લખી શકાયું નથી….જેટલું લખી શકાયું એટલું લખ્યું છે કવિતામાં….
વ્હાલે વરસતુ વાદળું ને જાણે મેઘધનુષનો રંગ…
પવિત્ર પ્રેમે પુષ્કળ નીતરતો માનો સ્વર્ગનો સંગ…
ઘરના આંગણા જેવી ને જાણે તુલસી ક્યારો…
બહેન બોલતા ઓગળી જાય બેની ભાઈ તારો…
સહેજે આવે સ્વાદ એ પીરસે એ બધુંય પ્રસાદ….
મુખેથી જે બોલે એ મીઠા બોલ બધા આશીર્વાદ…
હાસ્ય જેનું હોય જાણે કોઈ અમૃતબીંદુ વરસતા..
આંશુ પડે તો જીરવી ન શકાય જાણે તડકા તપતા…
મમતા લુંટાવતા ક્યારેક માં ને પણ પહોંચી જાય….
અને સંભાળ રાખતા વળી ક્યારેક બાપ થઈ જાય…
બહેન જાણે ભોળુ પારેવડુ ને હ્રદયે એનો માળો…
લખવા બેસોને છલકાય દરિયા જેવડો ઉછાળો…
કદાચ પૂરેપૂરો વ્યક્ત પણ ન થઈ શકતો સંબંધ…
એક સૂતર તાંતણે ઉભેલો વિશાળ સેતુ અકબંધ…